અમેરિકામાં વધી રહ્યો છે ભારતીય વસ્તુઓનો દબદબો, અમેરિકા થતી નિકાસમાં થયો જબરો ઉછાળો

નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર

છેલ્લા ચાર માસથી ભારતમાંથી અમેરિકા ખાતે થતી નિકાસમાં સતત વધારો થઇ રહ્યો છે. જે જોતા એમ કહી શકાય કે અમેરિકામાં ભારતીય વસ્તુઓની માંગમાં વધારો થઇ રહ્યો છે.

ઉપલબ્ધ ડેટા મુજબ ગત ડિસેમ્બર માસ દરમિયાન ગત વર્ષની તુલનાએ નિકાસમાં 14.2 ટકાની વૃધ્ધિ જોવા મળી હતી. જો કે, મહામારીના પગલે ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધી અમેરિકા ખાતે થયેલી નિકાસમાં ઘટાડો નોંધાયો હતો.

આ પ્રતિકૂળતાના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ગત વર્ષના સમાન સમયની તુલનાએ અમેરિકા ખાતે થતી નિકાસમાં 11.3 ટકાનો ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન અમેરિકાથી થતી આયાતમાંપણ 20.1 ટકાનો ઘટાડો જોવાયો હતો.

સૂચિત સમયગાળા દરમિયાન ભારતે અમેરિકા ખાતે 51.19 અબજ ડોલર (અંદાજે રૂ. 3.69 લાખ કરોડ) મુલ્યની નિકાસ કરી હતી. જ્યારે 27.39 અબજ ડોલર મુલ્યની આયાત કરી હતી.

ગત ડિસેમ્બર માસ દરમિયાન ભારતે અમરિકા ખાતે 4.89 અબજ ડોલર (અંદાજે રૂ. 35,208 કરોડ) મુલ્યની નિકાસ કરી હતી. જે ડિસે. 2019 દરમિયાન 4.28 અબજ ડોલરની હતી. જ્યારે ગત ડિસેમ્બરમાં આયાત મુલ્ય 2.78 અબજ ડોલર રહ્યું હતું. જે ડિસેમ્બર’19ની તુલનાએ 7.4 ટકા ઓછું હતું.

અમેરિકા સાથેના વેપારમાં ભારત સરપ્લસ સ્થિતિમાં છે. એટલે કે અમેરિકાથી થતી આયાતની સરખામણીએ ત્યાં નિકાસ વધુ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *